ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન ‘યોગ’ને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,સાંસદ જશુભાઇ રાઠવા અને ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટ્નમથી દેશવાસીઓને ઉદબોધન કર્યું હતું.જયારે રાજયકક્ષાના યોગ દિવસમાં માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતેથી પ્રજાને સંબોધન કર્યું હતું.બને કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વર્ષ ૨૦૨૫ની “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી. યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બને. યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી, જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, બોડેલી પ્રાંત, બોડેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા. યોગ પ્રશિક્ષકોએ આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ ક્રિયાઓ કરાવી હતી. તાડાસન, ત્રિકોણાસન, પવનમુક્તાસન જેવી યોગની વિવિધ મુદ્રાઓ અને આસનો કરાવતી વખતે યોગ શિક્ષકો દ્વારા તે આસનથી થતા લાભો અને યોગ ક્રિયાઓનું શરીર માટે મહત્વ રસપૂર્વક યોગપ્રેમીઓને સમજાવ્યું હતું. યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવેલ હર્ષ પટેલ દ્વારા કાર્યક્રમમાં વિવિધ યોગ ક્રિયા અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.