છોટાઉદેપુર જિલ્લા સમાહર્તાશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહયોગથી છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત લલિતકલા અકાદમીના સ્થાપના દિન ઉજવણી નિમિત્તે પિઠોરા ચિત્રકલા શિબિર દરબાર હોલ ખાતે યોજાઈ હતી.જિલ્લાના પિઠોરા અને વારલી ચિત્રકલાના કલાકારોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં પિઠોરા ચિત્રકલામાં પદ્મશ્રી મેળવનાર પરેશભાઈ રાઠવા દ્વારા બાબા પિઠોરા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.વારલી આર્ટીસ્ટશ્રી અર્ચના રાઠવા દ્વારા વારલી ચિત્રકલા વિશે સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, લલિતકલા અકાદમી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કલાકારોને પ્રોત્સાહન મળે માટે પીઠોરા ચિત્રકલા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ માટે વ્યવસાયો જેટલા જરૂરી છે એટલા જ કલાકારો પણ જરૂરી છે. જે આપની સંસ્કૃતિની રક્ષા કરે છે અને દેશ વિદેશ સુધી લઈ જાય છે. કલાના માધ્યમથી આપણને જાણકારી અને ઘણું શીખવાનું મળે છે. વધુમાં તેમણે નવા ચિત્રકલાકારોને ભવિષ્યમાં સારા ચિત્રકલાકાર બનશો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર પ્રાંત અધિકારીશ્રી મુસ્કાન ડાગર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદ પરમાર સહીત લલિતકલા અકાદમીના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.