ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના આરોગ્ય સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત કાર્ડ’ યોજના અમલી બનાવવામાં આવી છે. આ આરોગ્યલક્ષી યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવેલા સનાડા ગામના રહેવાસી રેખાબેન રાઠવાએ આયુષ્માન કાર્ડ થકી કેન્સર જેવી ગંભીર બીમારીની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ૩૬ વર્ષીય રેખાબેન રાજુભાઈ રાઠવા જણાવે છે કે, પહેલા મને મોઢામાં દુખાવો થતો હતો જેની સારવાર ૨ થી ૩ મહિના સુધી અન્ય દવાખાનાઓમાં કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો. વાઘોડિયા મુનિ આશ્રમ હોસ્પિટલમાં ડૉકટરે મારા અનેક રીપોર્ટ કરાવ્યા.૧૫ દિવસે રિપોર્ટ આવતા ડૉકટરે કેન્સર છે તેમ જણાવ્યું હતું. કેન્સરની સારવારનો ખર્ચ પાંચ લાખ રૂપિયા થશે. ડૉકટરની વાત સાભળી પરિવાર આર્થિક મુશકેલીમાં આવી ગયો હતો. કેન્સરની સારવાર માટે અમારા પરિવારમાં મારા બનેવી થકી મને જાણ થઈ કે આયુષ્માન કાર્ડ થકી વિના મુલ્યે સારવાર થઈ જશે અને અમે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યુ. આ કાર્ડમાં મારું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદનો શેકનો ખર્ચ પણ આયુષ્માન કાર્ડમાં થઈ ગયો હતો. કેન્સરની સારવાર લીધા બાદ હું સારી રીતે ખાય પણ શકું છુ અને મને કોઈ તકલીફ પડતી નથી. આયુષ્યમાન કાર્ડ તમામ લોકોએ કઢાવી લેવું જોઈએ જે આપણને આરોગ્યલક્ષી સારવારમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.