
રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ત્રણ શખ્સોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળાએ આ કામગીરી કરી. આરોપી અયુબ અનવર હિંગોરજાએ 3500 સ્ક્વેર ફૂટમાં સાત ઓરડી, સંડાસ-બાથરૂમ અને હોલનું બાંધકામ કર્યું હતું.
નજરમામદ અયુબ હિંગોરજાના બે મકાન અને એક દુકાન તેમજ બાલા રૂપા કોળીનું એક મકાન તોડી પાડવામાં આવ્યું. આ ત્રણેય આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. અયુબ અનવર હિંગોરજા સામે 15, બાલા રૂપા કોળી સામે 21 અને નજરમામદ હિંગોરજા સામે 6 ગુના દાખલ થયેલા છે.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.