છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું વિશ્વવિખ્યાત સંખેડા ફર્નિચર તેની અદ્વિતીય કળા અને સૌંદર્ય માટે ઓળખાય છે. ખરાળી સમાજ દ્વારા બનાવાતું આ ફર્નિચર સદીઓથી વારસામાં મળેલી હસ્તકળાનું જીવંત ઉદાહરણ છે. આ કળામાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓએ પણ ખભા સાથે ખભો મિલાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંપરાગત રીતે ફર્નિચર બનાવટમાં પુરુષોની ભૂમિકા માનવામાં આવતી હતી, પરંતુ સંખેડાની મહિલાઓએ એ માન્યતાને બદલતાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. “તેજ સખી મંડળ” એ તેનો જીવંત પુરાવો છે. સંખેડાની મુખ્ય બજારમાં ખરાળી પરિવારમાં જન્મેલી સોનલબહેન ખરાળીએ ૨૦૧૪ માં “તેજ સખી મંડલ” શરૂ કર્યું.શરૂઆતમાં દસ બહેનો સાથે ફક્ત સોસો રૂપિયા ભેગા કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યુ હતું.શરૂઆતના દિવસોમાં દાંડીયા, રમકડાં, બાજોટ અને પારણાના ઝુમખા જેવા નાનાં હસ્તકલા ઉત્પાદનો બનાવવાની કામગીરીમાં જોડાયેલા હતા.મોટા ફર્નિચરના લાકડાને પુરુષો આકાર આપતા હતા, જ્યારે મહિલાઓ કલરકામ, ડિઝાઇનિંગ અને મેલામાઇન ફિનિશિંગ જેવી સુક્ષ્મ કામગીરી કરતી હતી. તેમની મહેનત અને કળાના કારણે મહિને પાંચ હજારથી વધુ આવક મેળવી.તેઓ દર મહિને બેન્કમમાં એક હજાર જમા કરાવે છે.આમ તેઓ આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધ્યા.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાતા શરસ મેળામાં તેમની કૃતિઓને લોકપ્રિયતા મળી અને ત્યાંથી મોટા ફર્નિચરના ઓર્ડર મળવા લાગ્યા. આર્થિક મુશ્કેલીઓ દરમિયાન મંડળની બહેનોને બેંક મારફતે સીસી (કેસ ક્રેડિટ ) લોન તથા વિવિધ સંસ્થાઓ પાસેથી સહાય મેળી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) તરફથી “ઈકો વાન” માટે બે લાખ રૂપિયાની સહાય પણ મળી. તેજ સખી મંડળ માત્ર હસ્તકળાનું કેન્દ્ર નથી, પરંતુ નારી સશક્તિકરણનું પ્રેરણાસ્ત્રોત પણ છે. આ મંડળે સાબિત કર્યું કે મહિલાઓ સંયુક્ત પ્રયાસ, મહેનત અને આત્મવિશ્વાસથી પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવી શકે છે. તેઓ આજે પોતાના હુનરથી સ્વાવલંબન પ્રાપ્ત કરી રહ્યા છે, પરિવારના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને આવનારી પેઢીઓને પરંપરાગત કળાની શિખવાડી રહ્યા છે. સંખેડાની બહેનોની આ સફળ વાર્તા માત્ર હસ્તકલા વિશે નથી તે આત્મવિશ્વાસ, સહકાર અને સશક્તિકરણની જીવંત કથા છે.