A2Z सभी खबर सभी जिले कीCOVID-19अन्य खबरेगुजरात

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું: અમદાવાદમાં એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ પોઝિટિવ

દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ સાત દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. અમદાવાદમાં સાત પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદ શહેરમાં જે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં વટવાનો 15 વર્ષીય કિશોર, નારોલનો 28 વર્ષીય યુવક, દાણી લીમડાના 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરાનો 30 વર્ષીય યુવક, ગોતાની 2 વર્ષીય બાળકી, નવરંગપુરાના 54 વર્ષીય આધેડ અને બોપલના 15 વર્ષીય કિશોરને સમાવેશ થાય છે. હાલ તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

એશિયાના સિંગાપુર- હોંગકોંગ સહિતના દેશમાં કોરોનાના કેસો નોંધાયા છે. ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસો નોંધાયા છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. અમદાવાદના વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ સાત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

મણીનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં ચાર દર્દીઓ અને બાકીના ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિએન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જણાવ્યું નથી જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે.

કોરોનાની કુલ ત્રણ લહેરમાં ભારતમાં 5 લાખથી વધુના મોત થયાં હતાં

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. માર્ચ 2020માં, દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન, આશરે 1.08 કરોડ કોરોના કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98 હજાર મામલા જોવા મળ્યા હતા. આ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયા હતા.

Back to top button
error: Content is protected !!